૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ

 ૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ



વિશ્વ યોગ દિવસ 2024 અંતર્ગત આવો જાણીએ બાળકો માટે યોગનું શું છે મહત્વ?

બાળકને યોગ તરફ વાળવું એ બાળક માટે જીવનભરની એક અમુલ્ય ભેટ બની શકે છે.

બાળકોને યોગનો અભ્યાસ કરાવવાથી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થાય છે.

નવસારી, તા૧૯: ભારતીય ઋષિમુનીઓએ પ્રાચીન કાળથી જ યોગને સર્વશ્રેષ્ઠ અને સર્વરોગની જડીબુટ્ટી ગણાવી છે. યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ભારતના ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં દર્શાવેલા યોગનું મહત્વ આજે જન-જને જાણ્યું છે. આ ઝડપી અને આધુનિક યુગમાં દરેક લોકો યોગ તરફ વળ્યા છે. 

યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેનાથી તેમને ખૂબ લાભ મળે છે, જે જીવનભર કામ આવે છે.

 અત્યારના સમયમાં બાળકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીતા (ઓબેસિટી) જોવા મળે છે. જંક ફૂડ, પેકેટ ફૂડ અને બહારના ખોરાકનું વધારે પડતું સેવન તેનું મુખ્ય કારણ છે. વળી આજકાલના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેઓ પોતાનો વધારે સમય ટીવી, મોબાઈલ કે કમ્પ્યૂટરમાં રચ્યા રહતા હોય છે. બાળકોમાં શારીરિક કસરતનો અભાવ પણ બાળકોને આળસુ બનવા તરફ દોરી જાય છે. જે આગળ જતાં અનેક રોગોનું કારણ બને છે. આવા સમયે માતાપિતા અને શિક્ષકોની જવાબદારી બને છે બાળકમાં સદગુણોના સિંચન કરવાની. બાળકને યોગ તરફ વાળવું બાળક માટે જીવનભરની એક અમુલ્ય ભેટ બની શકે છે. 

જંક ફૂડના સેવનથી વિપરિત શારીરિક અને માનસિક અસરો થાય છે. તેમનામાં ગુસ્સો, ચિડિયાપણું, આક્રમકતા અને ક્યારેક હિંસાત્મક વલણ પણ જોવા મળે છે. યોગના અભ્યાસથી આવી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થઈ જાય છે.

યોગ કરવાથી બાળકોને થતાં શારીરિક – માનસિક લાભો :

યોગાસનો અને પ્રાણાયમના અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે. મનની તંદુરસ્તી વધે છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ શુદ્ધિકરણ થાય છે. સાથે સાથે શારીરિક લાભ જોઈએ તો સ્ફૂર્તિ, હકારાત્મકતા અને સતત કાર્યશીલતા આવે, થાક નથી લાગતો તેમજ યોગ અને ધ્યાનથી તેજસ્વીતા પણ વધે  છે. યોગાસનોના અભ્યાસથી તેમની લવચિક્તા અને તાકાતમાં વધારો થાય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી અંગોની પુષ્ટિ થાય છે, તંદુરસ્તી વધે છે. તેમનાં હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓ પણ સુડોળ બને છે તેમજ સર્વાંગી વિકાસ થાય છે. 

યોગના તમામ પાસાઓ- આસન, ધ્યાન, મંત્રો, પ્રાણાયમ- આદીના નિયમિત પ્રયોગથી તેમની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી વધે છે અને તેમનામાં તણાવને સહન કરવાની શક્તિમાં વધારો થાય છે. યોગના અભ્યાસથી બાળકોના સ્વભાવમાં ઘણું પરિવર્તન આવે છે. અન્યો સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે વર્તવું, શું ખાવું- શું ના ખાવું, શરીરને કેવી રીતે સાચવવું તેની ખબર પડે છે. તેમનામાં પશુ-પંખી અને અન્ય માનવો પ્રત્યે અનુકંપાનો ભાવ કેળવાય છે. યોગાભ્યાસથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમની ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે અને અભ્યાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમની પ્રસ્તુતિ વધુ સારી થાય છે.

બાળપણથી યોગની ટેવ પડાવવી જોઈએ

- શાળામાં બાળકોને થિયરીટિકલ જ્ઞાન સાથે યોગનો પણ અભ્યાસ કરાવવો જોઈએ. 

-બાળકને યોગ તરફ પ્રેરિત કરવા માટે તેઓની દૈનિક ક્રિયાઓમાં યોગનો સમાવેશ કરવો જોઈએ.

-મોબાઈલથી દૂર અને બહારની રમતો સાથે વધારે જોડવા જોઈએ.

-બાળકોની સાથે સૂર્યનમસ્કાર, ધનુરાસન, માર્જારાસન, સર્પાસન, ગૌમુખાસન, તાડાસન, શવાસન જેવા આસનો કરવા જોઈએ જેથી તેઓ યોગ કરવા પ્રેરિત થાય.

આસનો સરળ અને બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.

*વિવિધ આસનોથી થતાં લાભ:*

આજકાલ બાળકો સતત મોબાઈલ અને કમ્પ્યુટર સાથે જોડાયેલા જ જોવા મળે છે. તેથી બાળકોને નાનપણથી જ ચશ્મા આવી જાય છે. આંખો આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે માટે આપણી એ જવાબદારી બને છે કે તેનું પૂરતું ધ્યાન રાખીએ. ઉંમરની સાથે આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને કઠોર થઇ જાય છે. આંખોની રોશનીને વધારવા માટે નિયમિતરૂપે યોગ કરવા જોઇએ. યોગથી આંખોના નંબરને હટાવી શકાય છે.

પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

સવાસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થાય છે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થાય છે. આંખોને આરામ મળે છે અને આંખોની રોશની પણ વધે છે.

સર્વાંગાસન કરવાથી આંખોની રોશની વધે છે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.

તો આવો, આ વિશ્વ યોગ દિવસ 2024ની ઉજવણીમાં આપણે બાળકોને યોગનું મહત્વ સમજાવીએ. બાળપણથી યોગ કરાવીને તેમની શારીરિક અને માનસિક તંદુરતીને વધારીએ. બાળકને જીવનની એક અનમોલ ભેટ આપીએ- યોગ કરીએ અને કરાવીએ. 

Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Navsari District|Taluka chikhli|khergam|Vansda|Navsari|Jalalpor|Gandevi |Villages |નવસારી જિલ્લાનાં ચીખલી, ખેરગામ, વાંસદા, નવસારી, જલાલપોર,અને ગણદેવી તાલુકાના ગામો.